All books in ગુજરાતી IRV

1 તિમ. 2

ગુજરાતી IRV · chapter 2

6 પ્રકરણો

ગુજરાતી IRV / 1 તિમ. / પ્રકરણ 2

ગુજરાતી IRV · chapter 2

1 ¶ હવે સર્વ પ્રથમ હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે;

2 રાજાઓ અને સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂર્ણ ઈશ્વરમય તથા સન્માનપૂર્વક જીવીએ.

3 કેમ કે ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા સ્વીકાર્ય છે.

4 તેઓ ઇચ્છે છે કે સઘળાં માણસો ઉદ્ધાર પામે અને તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

5 ¶ કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ મધ્યસ્થ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ

6 જેમણે સઘળાંનું મુક્તિમૂલ્ય ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી.

7 મને તે હેતુસર પોકારનાર તથા પ્રેરિત હું સાચું બોલું છું, જૂઠું નહિ અને વિશ્વાસ તથા સત્યમાં બિનયહૂદીઓને માટે શિક્ષક નિયુક્ત કરવામાં આવ્યો છે.

8 ¶ તેથી મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે ગુસ્સા તથા વિવાદ વિના પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.

9 તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ,

10 પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે.

11 ¶ સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી શાંત રહીને શીખવું.

12 ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.

13 ¶ કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;

14 આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું;

15 તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.