All books in ગુજરાતી IRV

યોહ. 17

ગુજરાતી IRV · chapter 17

21 પ્રકરણો

ગુજરાતી IRV / યોહ. / પ્રકરણ 17

ગુજરાતી IRV · chapter 17

1 ¶ ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‹‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.›

2 ‹કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે.›

3 ¶ ‹અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.›

4 ‹જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે.›

5 ‹હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.›

6 ¶ ‹માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે.›

7 ‹હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે.›

8 ‹કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.›

9 ¶ ‹જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે;›

10 ‹જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું.›

11 ‹હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.›

12 ¶ ‹હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.›

13 ‹હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.›

14 ‹તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.›

15 ¶ ‹તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.›

16 ‹જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.›

17 ‹સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.›

18 ¶ ‹જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.›

19 ‹તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.›

20 ¶ ‹વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે,›

21 ‹તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.›

22 ¶ ‹જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય;›

23 ‹એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.›

24 ¶ ‹હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.›

25 ¶ ‹ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;›

26 ‹મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”›