All books in ગુજરાતી IRV

ગી.શા. 115

ગુજરાતી IRV · chapter 115

150 પ્રકરણો

ગુજરાતી IRV / ગી.શા. / પ્રકરણ 115

ગુજરાતી IRV · chapter 115

1 હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,

2 પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”

3 અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.

4 તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.

5 તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;

6 તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.

7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.

8 તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.

9 હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

10 હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

11 હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

12 યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.

13 જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.

14 યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.

15 તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.

16 આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.

17 મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.

18 પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.