ગુજરાતી IRV / ગી.શા. / પ્રકરણ 144
ગુજરાતી IRV · chapter 144
1 યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.
2 તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો.
3 હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
5 હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
6 વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
7 ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો.
8 તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.
9 હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
10 તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.
11 મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.
15 જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.