All books in ગુજરાતી IRV

ગી.શા. 92

ગુજરાતી IRV · chapter 92

150 પ્રકરણો

ગુજરાતી IRV / ગી.શા. / પ્રકરણ 92

ગુજરાતી IRV · chapter 92

1 યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.

2 સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.

3 દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.

4 કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.

5 હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.

6 અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.

7 જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.

8 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.

9 તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.

10 તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.

11 મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.

12 ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.

13 જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.

14 વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.

15 જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.