كل أسفار ગુજરાતી IRV

યોહ. 9

ગુજરાતી IRV · الأصحاح 9

21 أصحاحات

ગુજરાતી IRV / યોહ. / الأصحاح 9

ગુજરાતી IRV · الأصحاح 9

1 ¶ ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.

2 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”

3 ¶ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‹‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.›

4 ‹જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.›

5 ‹જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”›

6 ¶ આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને

7 તેને કહ્યું કે, ‹“તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.”› તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.

8 ¶ પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’”

9 કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”

10 ¶ તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’”

11 તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’”

12 તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”

13 ¶ જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.

14 હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.

15 માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”

16 ¶ ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા.

17 ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’”

18 પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.

19 ¶ તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’”

20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.

21 પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”

22 ¶ તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.

23 માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”

24 ¶ તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’”

25 ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”

26 ¶ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’”

27 તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”

28 ¶ ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.

29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”

30 ¶ તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.

31 આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.

32 ¶ સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.

33 જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’”

34 તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.

35 ¶ તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‹‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’”›

36 તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’”

37 ઈસુએ તેને કહ્યું કે, ‹‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’”›

38 તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.

39 ¶ ઈસુએ કહ્યું કે, ‹‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’”›

40 જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’”

41 ઈસુએ તેઓને કહ્યું કે, ‹“જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”›